Thursday, August 29, 2013

મારો આઠમો પત્ર






આદરણીય સુષ્માસ્વરાજજી 
આખા બીજેપી માં તમે એક છો કે જે અમને ગમો છો..કે જે કોઈ પણ વાત બિન્દાસ બોલી શકે છે.. તો પછી સમજાતું નથી કે આશારામ ( બાપુ) ની વાતમાં તમે કેમ મૌન થઇ ગયા છો ? ક્યાય દેખાતા પણ નથી . સ્ત્રીઓની વાત આવે ત્યારે બીજાનું તો મને નથી ખબર પણ મારું માનવું છે કે જો તમે પાર્ટી ને હિસાબે વિચારવાની બદલીમાં ફક્ત સ્ત્રીઓ માટે સ્ત્રીઓની જેમ વિચારો તો તમારી માટે અમને માન વધશે.. બાકી તમારી મરજી ..નથી કોઈ સંત દેખાતા કે જે એમ કહે કે આશારામ ની સાથે અમે છીએ કે આશારામ ની સાથે અમે નથી . નથી કોઈ અભિનેતાક્યાય લખતા કે કેમ આશારામ હજી ફરે છે ..આમ તો રોજ કંઈક ને કઈક લખતા હોય છે.. મેં ક્યાંક વાંચ્યું હતું કે સમય પર જો મોટા લોકો મૌન રહે તો એમને મોટા માનવા નહિ . તો હવે તો કોઈ જ મોટા નથી રહ્યા એવું લાગે છે. . કારણ બધા જ મૌન છે.. અને જે બે ત્રણ લોકો બોલે છે એની વાત જાણે દીવાલ પર અથડાઈને પાછી આવે છે .. બસ બે મિનીટ બોલીને તે લોકો ચાલ્યા જાય છે ને આશારામ પ્લેન માં લાંબા પગ કરીને સફર કરે છે.. મેરા ભારત મહાન....લી ... એક અદનિ મતદાતા

Tuesday, August 27, 2013

મારો સાતમો પત્ર





જમાઇરાજ

  શું સંબોધન આપુ ? તમે પ્રિય રહ્યા નથી , તમે આદરણીય છો નહી . તમે પોતાના રહ્યા નથી , તમને દીકરી આપી છે એટલે તમને પારકા કહેવાય નહી. તો શું કહુ ? જવા દ્યો વગર સંબોધને કામ ચલાવીયે. બીજુ શું ?

  જ્યારે તમારી સગાઇ  કરી મારી દીકરી સાથે, ત્યારે તમારી વાતો થી હુ કેટલી પ્રભાવીત થઈ હતી , તમને હુ કોઇ પણ વાર તહેવારે કવર આપતી તો તમે હાથમાં પણ ન લેતા, તમે કહેતા તમારી દીકરી ને આપો. મને કંઇ નથી જોઇતુ. લગ્ન કર્યા તો તમે એકદમ કડક શબ્દોમાં કહ્યુ હતુ કે હુ દહેજ લેતો નથી એટલે મહેરબાની કરીને કંઇ ન આપતા. નહી તો હુ બધુ પાછૂ તમારા ઘરે મુકી જઈશ ..ઓહોહોહોહોહોહો..મને તો એમ થયુ કે મારી દીકરી જેટલુ કદાચ જ  કોઇ જ સુખી હશે.. મને બધા કહેતા કે હવે જમાઇનાં પ્રકાર બદલાઇ ગયા છે એ વાત મને ૧૦૦% સાચી લાગવા લાગી હતી , પણ જેમ લગ્ન થાયા ને વર્ષો વિતવા લાગ્યા તમારુ અસલ સ્વરુપ દેખાવા લાગ્યું . તમે તમારા બીઝનેસ માટે મારી પાસે પૈસા લીધા, તમે કહ્યુ કે મમ્મી ને કહે હુ ક્યા રાખવાનો છુ , મે જો લગ્નમાં પણ કંઇ નહોતુ લીધુ તો હવે શું રાખીશ ? અને એ પણ જ્યારે તારા પપ્પા નથી .. થોડા થોડા કરતા ૬ લાખ મે આપી દીધા, હવે તમે કહી દીધુ કે મારો બિઝ્નેસ ન ચાલ્યો તો હું શું કરુ ? ને હવે હું કે મારી દીકરી શું બોલીયે ? તમારો ક્યાં કંઇ વાંક બીઝનેસ માં ખોટ થઈ તો ?

                  પણ મને એ સમજાઇ ગયુ કે જમાઇ નાં પ્રકાર નથી બદલાણા ખાલી દહેજ માંગવાની રીત બદલાઈ ગઈ છે..

   લી એક દીકરી ની મા...

મારો છઠ્ઠો પત્ર.


મારી પ્રિય સખી

કોઈ વાતો એવી હોય કે જે બધાને પૂછી ન શકાય પણ તું મારી પ્રિય સખી છો , આપણે નાનપણથી હારે મોટા થયા. એટલે આપણી વચ્ચે કોઈ વાત છુપી નથી.. સખી મારે એક વાત પાછી એવી પૂછવી છે કે જે કદાચ તને જ પૂછી શકું . પહેલા થોડી વાતો કરી લઉં. મારા સાસરામાં બધા ખૂબ જ સારા છે . મારા સાસુ મને દીકરી ની જેમ ગણે છે . મને હંમેશ કઈ ને કઈ સલાહ આપતા હોય . ત્યાં સુધી કે ઇશારા માં મને પૂછે કે એમાંના દીકરા હારે મને ફાવે છે કે નહિ . રોજ સવારે ઉઠું તો મને આંખ મારીને મારી મસ્તી કરે ને પૂછે કે મારો દીકરો બરોબર છે કે નહિ. મને શરમ આવી જાય પણ એ સાચ્ચે જ સારા છે . ને મને તેઓ ખૂબ જ ગમે છે મારા સસરા પણ બહુ સારા છે . લગ્ન થયા પછી ઓફિસમાં ૮ દિવસ તો વિનય ને આવવા જ ના દીધો , કહ્યું કે વહુ માટે આપણા ઘરનો માહોલ અલગ છે , તું એની સાથે રહે તો એને જરા ઠીક લાગે. પછી હનીમુન માટે ૧૫ દિવસ ગયા .. હું ખૂબ ખુશ છુ. . પણ તોય જે પ્રશ્ન મને મૂંઝવે છે એ મારા સાસુ ને હું નથી પૂછી શકતી . સંકોચ થાય છે એટલે તને પુછુ છુ . જો અમારા બંને વચ્ચે અઠવાડિયામાં ૪ વાર સેક્સ થાય છે. એમ નહિ કહું કે મને નથી ગમતું પણ ડર લાગે છે કે વિનય ને ખાલી આની જ આદત ના પડી જાય . શું લગ્ન જીવન ,સેક્સ સારી રીતે હોય તો જ બરોબર ચાલે ? જો એ ન હોય તો પતિ પત્ની એકબીજાના ને પ્રેમ ના કરે ? ને બીજું એ કે મારે હમણાં બાળક નથી જોઈતું . અત્યાર સુધી તો બધું વિનય સંભાળતો હતો . પણ હવે એ કહે છે કે જો તને બાળક ન જોઈતું હોય તો તેનો રસ્તો હવે તું ગોત. હવે મારા સાસુ ને કેવી રીતે પુછુ કે હું શું પ્રીકોશન લઉં . મને શરમ આવે છે. ક્યારેક એવો વિચાર આવે કે મારા જેવા પ્રશ્નો કેટલીયે સખીઓને થતો હશે ..બધા પાસે તારા જેવી સખી થોડી હોતી હશે ? જલ્દી થી જવાબ આપજે ...હું રાહ જોઇશ.

લી પોતાના જ સવાલોમાં મૂંઝાયેલી તારી સખી

Sunday, August 25, 2013

મારો પાંચમો પત્ર



ભારતદેશ ના બધા જ છાપાનાં , મેગેઝીનો ના ( સ્ત્રી મેગેઝીન છોડીને ) બધા જ તંત્રીઓ
                  આ સાથે જણાવવાનું કે આપ માટે એક ફરિયાદ છે . કે આપ આપના છાપા તો વેચો જ છો , પછી એ જ્ઞાતીનું પુસ્તક હોય તો તેનું લવાજમ તો લ્યો જ છો તો પછી એમાં લખવા વાળા લેખકો કે લેખિકા ઓ ને તેનું વળતર કેમ નથી અપાતું.. તેમના જ લખાણ થી તમારા છાપા કે પુસ્તક ભરાયા છે ને એમને જ કઈ  નહિ ..મોટા લેખકો ને લેખિકાઓ પાસે તો તમારું કઈ જ નથી ચાલતું ત્યાં તો તમે આપો જ છો. નવા લેખકો એ શું ભૂલ કરી છે , તે જરુરથી જણાવશો , તંત્રીઓ ને અમે કહીએ છે તો અમને કહેવામાં આવે છે કે તમારી કૃતિ  છાપીને તમારી પાસેથી અમે લેતા નથી એ જ બસ છે .તમારું નામ તો થાય છે . એમાં એ પાછુ લેખકો પર ઉપકાર કર્યો  હોય એવું લાગે .  તો હવે તો એમ લાગે છે કે જેમને પૈસા ન મળતા હોય એમણે આપવાનું જ બંધ કરવું જોઈએ . જે લોકો હકીકતમાં સેવા ખાતું કરે છે એમને આપવામાં અમને કઈ જ વાંધો નથી પણ જે લોકો લવાજમ લેતા હોય કે પૈસા થી પોતાનું છાપું વેચતા હોય એમને પોતાના હૃદય પર હાથ રાખીને વિચારવું જોઈએ કે શું તે લોકો જે કરી રહ્યા છે એ બરોબર છે ? પેન, કાગળ ,કુરિયર ના કે પછી ઈમેઈલ મોક્લાવીયે તો લાઈટબીલ ના પૈસા તો પડેને .. જો વિચારવા ની ઈચ્છા હોય તો વિચારજો કારણ પબ્લીશર્સ ને તંત્રી ઓ ની પોતાની મરજી જ ચાલે છે .. મેં મારી એક લઘુનવલ કથા એક છાપા માં છપાવા માટે મોકલી, તેમણે કહ્યું હતું કે બહેન બે મહિના પછી જવાબ આપશું , હું બે મહિના શાંત બેઠી રહી. બે મહિના પછી મેં પૂછવાનું શરુ કર્યું તો છ મહીને જવાબ મળ્યો કે બહેન તમારી ફાઈલ અમારાથી ખોવાઈ ગઈ છે .. શું કરી શકી હું ? કઈ જ નહિ. સમસમીને બેસવા સિવાય મારી પાસે કોઈ રસ્તો નહોતો. કારણ મેં ભરોસો રાખ્યો હતો ને એમના પર, એ મારી ભૂલ હતી . આવું બધું થાય છે એટલે જ ઈ-બુક તરફ દુનિયા વળી રહી છે કે જેમાં કમસેકમ લેખકોનું અપમાન તો નથી થતું.. અથવા પોતાના બ્લોગ બનાવા કે જેમાં પૈસા પણ ન પડે અપમાન પણ ન થાય ને પોતાની મરજી પ્રમાણે આપણે એને પબ્લીશ કરી શકીએ. છાપા અને પુસ્તકો બંધ થઇ જાય  એની પહેલા જાગી જાવ ..નહિ તો લેખકોના  ઘરે તમારે આટા મારવા પડશે   હા એક વાત કહેતા ભૂલી ગઈ કે સ્ત્રી મેગેઝીન વાળા ૧૨ મહિનામાં બે વાર્તા છાપે પણ જેવી છાપે કે એમના તરફથી ચેક ને મેગેઝીન તરત આવી જાય..

         લી એક લેખિકા


મારો ચોથો પત્ર


 મારા વ્હાલા બાળકો
   આટલા વર્ષો તારા પપ્પાથી ડરી ડરી ને જીવી, હવે તમારાથી મારે ડરવાનું ? ને શું કામ? કારણકે તમને હું બહુ પ્રેમ કરું છુ . તારા પપ્પાની સામે ન બોલી કારણકે મને એમની સાથે પ્રેમ છે  એટલે મારે ચર્ચા નહોતી જોઈતી. એનો મતલબ ભલે તારા પપ્પાએ એમ લીધો કે હું એમનાથી ડરૂ છુ એટલે નથી બોલતી પણ જેને પ્રેમ ની ભાષા જ ના ખબર હોય એની પાસે પ્રેમ ની આશા રખાય પણ નહિ ને .. પણ તમે પણ , મારી જ કુખ માં રહેલા,  કેટકેટલી તકલીફ મેં ભોગવી હતી એ નવ મહિના ને પછી તમારા આવતા વખતે, પણ એ બધું તમને તો ના ખબર હોય ને , એટલે તમને કદર નથી એ વાતની , તો શું હું હવે તમારી પાસે પણ આશા ન રાખું , બસ એક વાત કહી દઉ કે તમારો ગુસ્સો હું ચલાવીશ નહિ, બચ્ચાઓ છો  બચ્ચાઓ રહો. કારણકે પારકા નું ચલાવાય એટલે કે તારા પપ્પા.. એમની પાસે તો આશા જ ન રખાય . પણ તમે પોતાના કહેવાવા ને મારો હક્ક છે કારણ કે જો મેં નવ મહિના ન રાખ્યા હોત તો તમે આજે ૬ ફૂટનાં થયા પણ ન હોત તો પ્લીસ ઈજ્જત કરતા ના આવડે તો કઈ નહિ પણ અપમાન ના કરતા.. કારણકે હું કોઈ પર ગુસ્સે થાતી જ નથી પણ જો થાવા તો હું માફ કરતી નથી.. પછી હું પણ ભૂલી જઈશ કે તમે મારા બચ્ચાઓ છો..

  લી તમારી મમ્મી

Saturday, August 24, 2013

મારો ત્રીજો પત્ર.


હે પ્રભુ
  આ જવાબ તમારા સિવાય કોઈ નહિ આપી શકે , જો તમે હો તો મને સમજાવો કે એક સંત કોને કહેવાય ?
કે જેને ગીતાનાં બધા શ્લોક  આવડતા હોય કે પછી જે પણ ધર્મ હોય એમના ગ્રંથનાં શ્લોક આવડતા હોય ને પાછુ એ શ્લોક્ને સમજાવતા વખતે અલગ અલગ પુસ્તકોમાંથી વાંચેલા ઉદાહરણો, અથવા હવે  તો એસ . એમ . એસ પણ ચાલે છે.
તો શું   હું ગીતાનાં બધા શ્લોક પાક્કા કરી લઉ ને આવા ઉદાહરણો પણ  મેળવી ને એક પુસ્ત્ક તૈયાર  કરી લઉ તો મને પણ  લોકો  સ્વામીની કે પછી  સંત કહીને પૂજશે ? મારા પણ પગે લાગશે ને પ્રુથવી પરનાં પરમાત્મા જેવું સ્થાન આપશે ? મારુ પણ ઘર બહારથી કૂટીયા જેવુ ને અંદર થી  આલીશાન હશે ? ૨૫ કદમ જેટલી દુર મારા આશ્રમ થી મારી એ કુટીયા હશે ત્યાં જવા માટે મારી પાસે મોટી કાર હશે ?  કેટલુ સહેલુ છે સંત થાવુ ને. આમ તો
મારી દીકરી પણ બની શકે કારણ એ પણ પરિક્ષા માં જવાને બે દિવસ આગળ
ભણીને હંમેંશ ફસ્ટક્લાસ લઈ આવી છે..કારણ આખરે વાત તો છે કે તમે કોઈ પણ વાત ને બાયાહાર્ટ કરીને વ્યવસ્થિત રીતે પ્રવચન આપી શકો.પ્રભુ, મેં પબલીક્સ્પીકિંગનો કોર્સ પણ કર્યો છે .તો પ્લીસ મને સમજાવશો                                                
                                    લી . સવાલોથી ઘેરાયેલ એક સામાન્ય વ્યક્તિ


Friday, August 23, 2013

મારો બીજો પત્ર


પ્રિય તથા પૂજ્ય વડીલ સાસુમા

મમ્મી આજે તમને પત્ર લખવાની ઈચ્છા થઇ , એમ થયું આપણા વચ્ચેનો મનભેદ આપણા બે સિવાય કોઈ ત્રીજું નહિ હટાવી શકે. હું પરણીને આવી ત્યારે તમે મારું સ્વાગત કેટલી આશાઓ થી કર્યું હશે કે મારી વહુ, હવે મને તૈયાર થાળી મળશે , હવે મને કેટલી શાંતી થઇ જશે . પણ જુઓ હું તો અલગ થઇ ગઈ . મને ન ફાવ્યું તમારી સાથે એટલે રોજ કંકાસ સાથે જીવવું ને એમાં તમે પણ હેરાન ને હું પણ હેરાન .. એટલે તમે જે એક ઘર એમ જ લઇ રાખ્યું હતું એમાં આપણા જગડા ના અંતે હું જઈને મારી બે વર્ષની દીકરી ને લઈને બેસી ગઈ કે હવે હું અહિયાં જ રહીશ . મને ડર હતો કે જો તમારો દીકરો નહિ આવે તો મારે પાછુ આવવું જ પડશે ને. પણ તેઓ પણ થોડી વાર માં એ ઘર માં આવી ગયા ને મને કહ્યું ચિંતા નાં કર આપણે અહિયાં રહેશું બસ.. મને બહુ જ અચરજ થયું કે આ તો બહુ બધું જલ્દી મારું ધાર્યું થઇ ગયું . કાલે આપણા જુના પડોસી મળ્યા હતા તે કહેતા હતા કે તમે બહુ રડો છો કે મારી વહુ એ મને મારી પોત્રી સાથે રહેવા ન દીધી . મારા દીકરા ને પણ લઇ ગઈ.. પણ મમ્મી એક વાત કહો કે શું હું એકલી અલગ થઇ .. એમાં તમારા દીકરા ની પણ મંજુરી હતી ને.. જો તેઓ ન આવ્યા હોત તો હું કેવી રીતે રહી શકી હોત મારે પાછુ આવવું જ પડ્યું હોત ને.. પણ મમ્મી આ પુરુષો, એ ભલે તમારો દીકરો હોય કે મારો વર, પણ પોતાની મરજી ને સ્ત્રીઓ ની જીદ નું નામ આપીને અંદર થી ખુશ થાય છે કે દુનિયા સામે હું તો સારો થયો ને મારું કામ પણ થઇ ગયું. આપણે જ એમને નથી ઓળખતા ને અંદર અંદર લડીએ છે . જ્યારે પણ એમની બહેન આવે ને કઈ વહેવાર કરવાનો હોય તો મને કહેશે શું આપશું. હું તો ઓછુ જ કહું ને તો કહેશે ઓકે તને જે ઠીક લાગે એમ બસ. ને બધાને કહેશે તમને તો ખબર જ છે ને મારું કઈ ન ચાલે , જ્યાં એમને ચલાવવું હોય ત્યાં તેઓ એમનું જ ચલાવે છે .. પણ જે વાત એમની મરજીની હોય એમાં એ મારું નામ આપી દે છે.. મમ્મી આપણે પુરુષોની માનસિકતા ને ઓળખવાની જરૂર છે, નહિ કે અંદર અંદર લડવાની.. આશા રાખું છુ તમે મારી વાત સમજ્યા હશો. હું તમારી વહુ જિંદગી ભર રહેવાની છુ એમાં કોઈ બે મત નથી..
                                                                                       તમારી વહુ

મારો પહેલો પત્ર


વ્હાલો દીકરા સમીર

                                   આજે તને પત્ર લખવાની ઈચ્છા થઇ, મને નથી ખબર તને સમય મળશે કે નહિ વાંચવાનો , પણ મારા મન એ જે કહ્યું એ હું કરતી આવી છુ ને કરતી રહીશ . કદાચ તું મારા પર જ ગયો છો એટલે તો હું તને ફરિયાદ કરતી જ નથી . હું પણ તારા જેવી જ હતી .જીદ્દી, ગુસ્સા વાળી પોતાનું ધાર્યું કરવાવાળી . જ્યારે મારા લગ્ન થયા ત્યારથી જ મેં તારા પપ્પાને એમના માતા પિતા વિરુદ્ધ ચડાવાનું શરુ કરી દીધું હતું જેમ તારી પત્ની એ અમારા માટે કર્યું. તું પણ તારા પપ્પાની જેમ પત્ની ની વાતો માં આવી ગયો ને અમારો એક નો એક દીકરો થઈને પણ તું અમારાથી અલગ થઇ ગયો. જેમ તારા પપ્પાને મેં અલગ કર્યા હતા..મને એમ હતું કે મેં સ્વર્ગ મેળવી લીધું ,પણ સાચ્ચું કહું તારા પપ્પા એ પછી કદી મારા ન થઇ શક્યા. એમનું મન એમને ડંખતું હતું કેતેઓ પોતાના માતા પિતા માટે કઈ કરી ન શક્યા.. બસ તારી સાથે આવું ના થાય એટલે તને પત્ર લખું છુ કે હું તો મારા કર્મ ભોગવું છુ પણ તું તારા પપ્પા જેવું જીવન વ્યતીત ન કરતો.. હવે તારા પપ્પા તો ચાલ્યા ગયા ને હું અહિયાં વૃધ્ધાશ્રમ માં બહુ સુખી છુ . બસ તારા દીકરાને થોડે થોડે દિવસે અહિયાં લઇ આવતો રહેજે એટલે એ તારી સાથે, જેમ મેં અને તારી પત્ની એ કર્યું એવું ન કરે.. કારણ કર્મ કોઈને નથી છોડતો..
                                                                                               લી તારી મમ્મી

પ્રસ્તાવના

પત્રો ધ્વારા મન ની  વાત કહેવાની રીત  મને મીનાબહેન અને પ્રતીભાબહેન થી આવળી .. મીનાબહેને એક પેજ બનાવ્યુ છે.


જેમા રોજ અવનવા પત્રો આવતા હોય છે . પ્રતીભાબહેને  મને એમા એડ કરી તો મે આજથી એમા પત્ર લખવાનું  શરુ કર્યુ.. તો હવે એને અલગ સેવ કરવા માટે મે આ બ્લોગ બનાવ્યો છે ..મીના બહેન પ્રતિભાબહેન આપ બંને નો ખૂબ ખૂબ આભાર,, કંઇક નવુ સુઝાડવા માટે..